ચૌધરી સમાજમાં વ્યકિત મૃત્યુ પામે ત્યારે લગ્ન પ્રસંગે થતી વિધિ કરવામાં આવે છે. શબને માટીની હાડંલીમાં પાણી ગરમ કરીને એને હળદર અને દહીં થી સ્નાન કરાવી હળદર ચોપડવામાં આવે છે. તેને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. ત્યારબાદ ઠાઠડી કે ખાટલીમાં સુવડાવી બાંધી દે છે મૃતાત્માના શરીર પર હલકા દાગીના પણ રાખવામાં આવે. ઠાઠડીને ચાર નાળિયેર બાંધી પ્રથમ ભાઇ કે પિતા, પતિ-નજીકના સબંધીઓ ખાંધ આપે છે. સાથે ડાંગર (ભાત) રસ્તે નાખવામાં આવે છે. શબને વિસામા સુધી લઇ જતી વખતે માથું પાછળ રખાય છે. વિસામા પાસે ઠાઠડીને ફેરવી આગળ માથું રાખે છે. વિસામાં પાસે મૃત વ્યકિતનો ખાટલો, પથારી, કપડાં મૂકી, એક પત્થર વડે શબને ઓવારી આગળ લઇ જાય છે.
અગ્નિદાહ દેતા પહેલા શબની ઉગમણી અને આથમણી બંને બાજુ નાળિયેર વધેરીને નાખવામાં આવે. શબ બળી જાય પછી તે જગા ઉપર છાપરું પાડી નળિયાં મૂકી મૃતાત્માને છાયો અપાય.
ચૌધરી સમાજમાં ખતરું મુકવાનો રિવાજ છે અને બીજે દિવસે દહાડો કરવામાં આવે છે. હવે બારમાવિધિ પણ કરે છે. કુંવારા છોકરાનુ઼ મૃત્યુ થાય તો, નવમું કરવામાં આવે છે. અને તે દિવસે નકકી કર્યા મુજબના દિવસે ખત્તરાવિધિ કરવામાં આવે છે. ધાર્મિક દિવસઓએ આ વિધિ કરવામાં આવતી નથી. ખત્તરૂ લેવા ચૌધરી સમાજના લોકો ડોબરૂં લઇ બળદગાડામાં માટીમાંથી બનાવેલા ખત્તરા લેવા જાય છે. અને નકકી કરેલા દિવસે, ગામના નકકી કરેલા સ્થળે મૃતાત્માની યાદમાં ખત્તરૂં મૂકે છે. સવા માસ બાદ “વાલી’ પૂજવામાં આવે છે. વર્ષ પછી ખત્તરુ મૂકયું હોય, ત્યાં દર તહેવારના દિવસે પૂજાવિધિ કરવામાં આવે છે. પછી સતત દર વર્ષે કુટુંબીજનો આ વિધિ કરતા રહે છે.